- Advertisement -

જલારામ બાપા અને મા વીરબાઈએ કેવી રીતે જરૂરિયાતમંદોની સેવા કરી? જાણો વિરપુર ધામનો મહિમા

- Advertisement -

રાજકોટથી લગભગ 57 કિ.મી.ના અંતરે વીરપુર નામે ગામ આવેલું છે. આ ગામ એ સૌરાષ્ટ્રના ગોકુળિયા ગામ તરીકે પ્રસિદ્ધ છે. અને આ ગામને ખરાં અર્થમાં ગોકુળિયું બનાવવાનો શ્રેય જલારામ બાપાને જાય છે. સંત જલારામ કહો, બાપા જલારામ કહો કે પછી કહો જય જલિયાણ. શ્રદ્ધાળુઓના હૃદયમાં તો ભગવાન સરીખું જ સ્થાન ધરાવે છે બાપા જલારામ.

- Advertisement -

અને એટલે જ તો દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વીરપુરમાં સહજપણે જ દર્શનાર્થે ખેંચાઈ આવે છે. વીરપુર જ બાપા જલારામજીની જન્મભૂમિ અને કર્મભૂમિ રહ્યું છે. કારતક સુદી સાતમની તિથિએ બાપા જલારામજીનો પ્રાગટ્ય દિવસ મનાય છે. આ વખતે આ અવસર 31 ઓક્ટોબર, સોમવારના રોજ છે. ત્યારે આવો, બાપા જલારામજીની 223મી જન્મજયંતી પર આપણે તેમના સેવા કાર્યોને સમજીએ.

- Advertisement -

વીરપુરમાં પ્રાગટ્ય

- Advertisement -

વિક્રમ સંવત 1856ની કારતક સુદ સાતમના રોજ વીરપુરના લોહાણા સમાજના ઠક્કર કુળમાં જલારામ બાપાનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ ઠક્કર હતું. બાળપણથી જ શ્રીરામનું નામ જલારામજીના મુખે ચઢેલું હતું. જલારામજીનું મન બાળપણથી જ સાધુ-સંતોમાં પરોવાયેલું રહેતું. તેમને ભણવામાં કે પિતાની હાટડીએ બેસવામાં જરાય ગોઠતું ન હતું. પિતાને બીક પેઠી કે ક્યાંક દિકરો સાધુ ન થઈ જાય ! અને એટલે જ જલારામજીને સંસારમાં બાંધવા તેમનું સગપણ કરી દેવાયું. સોળ વર્ષની ઉંમરે આટકોટ ગામના વીરબાઈ સાથે જલારામજીના લગ્ન થયા. જો કે આ લગ્નથી જલારામજીના સેવાયજ્ઞમાં કોઈ ઓટ ન આવી. ઉપરથી સોનામાં સુગંધ ભળેની જેમ વીરબાઈ પણ પતિના જ કર્મો પર ચાલી નીકળ્યા.

અસ્ખલિત સેવાયજ્ઞ

જલારામજી અને તેમના પત્ની વીરબાઈ કાયાતૂટ મજૂરી કરતાં. અને આ આકરી મજૂરી બાદ જે થોડું ઘણું મળે, તેમાંથીયે જરૂરિયાતમંદોને ભાગ દેતાં. આખુંય જીવન પતિ-પત્નીએ આ રીતે લોકસેવામાં જ વિતાવ્યું. બાપા જલારામજી અને તેમના પત્ની વીરબાઈ સદૈવ સાધુ-સંતોની સેવા માટે તત્પર રહેતાં. જ્યારે આ સેવાયજ્ઞમાં તેમની આર્થિક પરિસ્થિતિ બાધારૂપ બની ત્યારે વીરબાઈએ તેમના તમામ ઘરેણાં વેચીને પણ ભૂખ્યાને રોટલા આપ્યા. પણ, સૌથી આકરી કસોટી તો ત્યારે થઈ જ્યારે એક વૃદ્ધ સાધુએ જલારામજી પાસે સેવા માટે તેમની પત્નીનું દાન માંગ્યું. અને પત્નીની સંમતિથી જ જલારામજીએ તે પણ આપ્યું. જો કે વીરબાઈને સાથે લઈને નીકળેલાં તે સંત વીરબાઈને તેમનો દંડો અને ઝોળી આપી અદૃશ્ય થયા, અને વીરબાઈ ઘરે પાછા આવ્યા. દંતકથા અનુસાર તે સમયે આકાશવાણી થઈ કે આ તો દંપતીની પરીક્ષા લેવાં સ્વયં પરમેશ્વર પધાર્યા હતા !

અખૂટ ભંડારો

વીરપુર સ્થાનકની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં વર્ષ 2000 બાદ શ્રદ્ધાળુઓ પાસેથી એકપણ રૂપિયાનું દાન નથી લેવાતું. અને છતાં સદાવ્રતની અસ્ખલિત ધારા અવિરતપણે ચાલતી જ રહે છે. ભક્તો તેને જલારામ બાપાના પુણ્યનો જ પ્રતાપ માને છે. જલારામ બાપા વિક્રમ સંવત 1937ની મહાવદ દશમે વૈકુંઠવાસી થયા. તે સમયે તેમના વારસ હરિરામજીએ મોટો મેળો કર્યો. પ્રચલિત કથા અનુસાર તે મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચઢ્યો. જે સીધો જ ભંડારઘરમાં ગયો. ત્યાંથી એક લાડુ લઈ તેનો ભૂકો કરી તેણે ચારે દિશાએ વેર્યો ને ‘અખૂટ… અખૂટ… ભંડાર !’ બોલતો ક્યાં અદૃશ્ય થઈ ગયો તેની કોઈને ખબર ન પડી. અને જાણે તેના જ ‘અખૂટ’ આશીર્વાદ આજે પણ વીરપુરમાં ફળીભૂત થઈ રહ્યા છે.

જલારામ બાપાએ સમગ્ર જીવન સાધુ-સંતો અને દિન-દુ:ખીઓની સેવામાં જ વ્યતિત કર્યું. કહેવત છે કે ઘરનું ગોપીચંદન કરીને કંઈ તીરથ ન થાય. પણ, બાપા જલારામે તો તે પણ કર્યું. અને એટલે જ તો વીરપુરમાં જન્મેલાં આ ઓલિયા જીવે ભક્તોના હૃદયમાં અદકેરું સ્થાન મેળવ્યું.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

- Advertisement -
- Advertisement -