- Advertisement -

રાજકારણમાં અભિનેતા જ્યારે નેતા બનવા જાય છે ત્યારે શું થાય?

- Advertisement -
  • એવરગ્રીન તરીકે સદાબહાર ગણાતા અભિનેતા દેવ આનંદે તો ફિલ્મી કલાકારોને એકમંચ પર લાવીને ઇંદિરા ગાંધીની ઈમરજન્સી સામે વિરોધ નોંધાવ્યો હતો

સિલ્વર સ્ક્રીન પર હોટ ફેવરિટ સબ્જેક્ટમાં પોલિટિક્સ રહ્યો છે. ભારતની રાજનીતિમાં ફિલ્મકારોનું કનેક્શન સુપરસ્ટ્રોંગ છે. મુખ્યમંત્રી બનવા સુધીની સફર ફિલ્મ અભિનેતાઓએ ખેડેલી છે. આજે પણ આંધ્ર પ્રદેશથી લઈને તમિલનાડુ સુધીના દક્ષિણ ભારતનાં રાજ્યોમાં કલાકારોની લોકપ્રિયતા ગજબ છે અને એક્ટિવ પોલિટિક્સમાં ભરપૂર રસ લેતા જોવા મળે છે.

- Advertisement -

એવું સ્પષ્ટ ચિત્ર હિન્દી સિનેમામાં બહુ ઓછું જોવા મળે છે.

- Advertisement -

આ લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત ગોવિંદા, હેમા માલિની સહિતના કલાકારો કિસ્મત અજમાવવાનાં છે. આ વખતે સૌથી વધુ ચર્ચામાં કલાકારનું કોઈ નામ હોય તો એ કંગના રનૌત છે. ભારતીય જનતા પાર્ટીએ અભિનેત્રી કંગના રનૌતને લોકસભાની ટિકિટ આપી છે. કંગના બોક્સઓફિસ રૂલર છે. પોતાના દમ પર ફિલ્મને હિટ કરવાની ક્ષમતા ધરાવનાર કંગના જુદાંજુદાં નિવેદનોના કારણે વિવાદમાં રહે છે. કંગનાએ ભારતીય સિનેમાની ઘણી ઘરેડોનો ભાંગીને ભુક્કો કરી નાખ્યો છે. જુદા વિષયો પર ફિલ્મો કરીને પોતાની જાતને સાબિત કરી છે. કંગના મોસ્ટ પોપ્યુલર છે પણ મંડી લોકસભાના મતદાતાઓ તેના પર વિશ્વાસ મૂકે છે કે નહીં એ તો પરિણામના દિવસે જ ખબર પડશે.

- Advertisement -

ભારતીય સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન અને રાજીવ ગાંધીની દોસ્તી જગજાણીતી છે. દોસ્તી માટે અમિતાભે રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને અલાહાબાદ લોકસભા બેઠક પર 68.2 ટકાની સરસાઈ સાથે વિજયી બન્યા હતા. અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા કામ કરી ગઈ અને અમિતાભે સંસદની ટિકિટ મેળવી લીધી. પણ આ રાજનીતિનો લાંબો રસ્તો અમિતાભ માટે ખૂબ ટૂંકો નીકળ્યો. બોફોર્સ કાંડનું ભૂત ધૂણ્યું અને અમિતાભની સંડોવણી છે એવા સમાચારો વહેતા થયા. અમિતાભ સામે પ્રશ્નો થવા લાગ્યા અને અમિતાભે રાજકારણની દુનિયાથી દૂરી બનાવવાનું નક્કી કરી લીધું. રાજીવ ગાંધી સાથે ચર્ચા કરીને અમિતાભે રાજનીતિમાંથી પોતાની જાતને અલગ કરી દીધી અને રાજીનામું આપી દીધું. ભારતીય સિનેમાના સૌથી લોકપ્રિય કલાકાર અમિતાભ બચ્ચનનું નામ દુનિયાના એ કલાકારમાં આવે છે જે 81 વરસની વયે લીડ એક્ટર તરીકે કામ કરે છે. તેની કરિયર લોંગેસ્ટ છે પણ પોલિટિક્સ સૌથી શોર્ટેસ્ટ રહ્યું. રાજકાણ છોડી દીધું એ જ તેમના માટે શુકનવંતું સાબિત થયુ એમ કહી શકાય. અમિતાભ કરતાં જયા બચ્ચનને રાજકારણ સારું એવું ફાવી ગયું. અમિતાભ અને સમાજવાદી પાર્ટીને ગાઢ સંબંધો રહ્યા છે. બચ્ચન પરિવારની બીજી રાજકીય મિત્રતા મુલાયમસિંહ યાદવના પરિવાર સાથે રહી. જયા બચ્ચન સમાજવાદી પાર્ટીમાં 2004ના વરસથી રાજ્યસભાનાં સાંસદ છે અને હજુ ચાલુ છે.

એવરગ્રીન તરીકે સદાબહાર ગણાતા અભિનેતા દેવ આનંદે તો ફિલ્મી કલાકારોને એકમંચ પર લાવીને ઇંદિરા ગાંધીની ઈમરજન્સી સામે વિરોધ નોંધાવ્યો હતો. દેવ આનંદ એવા તો રાજકારણના રંગમાં રંગાવા લાગ્યા કે પોતાની પોલિટિકલ પાર્ટી બનાવી નાખી. દેવ આનંદે નેશનલ પાર્ટી ઓફ ઈન્ડિયાની રચના કરી હતી. જોકે આ પાર્ટીનું વિસર્જન પણ તેમણે જ કર્યું હતું. ધર્મેન્દ્ર, હેમા માલિની અને સન્ની દેઓલ સહિતના આ પરિવારના સભ્યો ચૂંટણી લડ્યા છે. જીત્યા છે. હેમા માલિની ફરીથી આ વખતે લોકસભા ચૂંટણી લડી રહી છે. શત્રુઘ્ન સિન્હા ભાજપમાં હતા ત્યાં સુધી બધું સલામત હતું પણ પછી પાર્ટીઓ બદલાવી પણ પોલિટિકલ કરિયર સેટ થતી ન હતી અને પછી સિન્હાએ મમતા બેનર્જીનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસનો હાથ પકડ્યો અને સિન્હાને સંસદભવનમાં પ્રવેશ મળી ગયો. રાજ કપૂરની ફિલ્મો રાજકારણ, સાંપ્રત પ્રવાહથી લઈને વાસ્તવિકતાના વિષયો પર હતી, પરંતુ રાજકારણ સાથે તેમને બહુ જામતું નહીં. એક વખત તો તેમણે કહેલું કે સંસદમાં મૂર્ખ બનવા કરતાં ફિલ્મોમાં જોકર બનવાનું હું વધુ પસંદ કરીશ. જયા પ્રદાએ સમયે સમયે રાજકીય પાર્ટી બદલી છે. તેલુગુ દેશમ પાર્ટીથી પોલિટિકલ કરિયરનું સ્ટાર્ટઅપ કર્યું. પછી સમાજવાદી

પાર્ટી, રાષ્ટ્રીય લોકદળ અને હવે જયા પ્રદા ભાજપમાં છે.

ફિલ્મોમાં રાજ બબ્બરને ભલે બમ્પર સફળતા ન મળી પણ તેની રાજકીય કરિયર લાંબી ચાલી છે. રાજ બબ્બરે જનતા દળ વાયા સમાજવાદી પાર્ટીથી કોંગ્રેસ સુધીની સફર ખેડી છે. ત્રણ વખત લોકસભા અને બે વખત રાજ્યસભાના સંસદ તરીકે પ્રતિનિધિત્વ કર્યું છે. મહાભારતમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવનાર નીતીશ ભારદ્વાજ ભાજપ પક્ષમાં લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને હવે રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ ભાજપ પક્ષના લોકસભા ચૂંટણીના ઉમેદવાર બન્યા છે. સુનીલ દત્તે પણ રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને વિનોદ ખન્નાએ પણ સંસદમાં પ્રતિનિધિત્વ કર્યું છે.

- Advertisement -
- Advertisement -