- Advertisement -

IPL 2024: મુંબઈ ઇઝ બૅક… બુમરાહ, સૂર્યા અને કિશને બૅન્ગલોરની વાટ લગાડી દીધી

- Advertisement -

આઇપીએલ (IPL 2024)માં ગઈ કાલે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ તેના અસલી રંગમાં ખિલીને રૉયલ ચેલેન્જર્સ બૅન્ગલોરની ચેલેન્જને માત્ર ૧૫.૩ ઓવરમાં ખતમ કરી નાખી હતી. બૅન્ગલોરે આપેલો ૧૯૭ રનનો ટાર્ગેટ પાંચ વખતના ચૅમ્પિયન મુંબઈએ ૩ વિકેટ ગુમાવીને અને ૨૭ બૉલ બાકી રાખીને ધમાકેદારરીતે મેળવી લીધો હતો. વાનખેડે (IPL 2024)માં ક્રિકેટપ્રેમીઓને ૨૬ સિક્સર અને ૩૩ ફોરની આંતશબાઝી જોવા મળી હતી.

- Advertisement -

જસપ્રિત બુમરાહના ૨૧ રનમાં પાંચ વિકેટના તરખાટ છતાં કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીસ (૪૦ બૉલમાં ૩ સિક્સર અને ચાર ફોર સાથે ૬૨ રન), રજત પાટીદાર (૨૬ બૉલમાં ચાર સિક્સર અને ત્રણ ફોર સાથે ૫૦ રન) અને દિનેશ કાર્તિક (૨૩ બૉલમાં ચાર સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૫૩ રન)ની ધમાકેદાર હાફ-સેન્ચુરીના દમ પર બૅન્ગલોરે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૯૬ રન બનાવ્યા હતાં. વિરાટ કોહલી માત્ર ૩ રન બનાવી આઉટ થયો હતો અને ચાહકોને નિરાશ કર્યા હતાં. મૅક્સવેલ ફરી ખાતુ પણ નહોતો ખોલી શક્યો. મુંબઈએ પણ ૮.૫ ઓવરમાં ૧૦૧ રનની ઓપનિંગ પાર્ટનરશીપ સાથે જબરો વળતો જવાબ આપ્યો હતો. રોહિત શર્માની ૨૪ બૉલમાં ૩૮ રનની ઍન્કિર ઇનિંગ્સ અને બીજા છેડે ઇશાન કિશન (૩૪ બૉલમાં પાંચ સિક્સર અને સાત ફોર સાથે ૬૯ રન) અને સૂર્યકુમાર યાદવની (૧૯ બૉલમાં ચાર સિક્સર અને પાંચ ફોર સાથે બાવન રન)ની અફલાતુન હાફ-સેન્ચુરી અને છેલ્લે ૬ બૉલમાં ૩ સિક્સર સાથે અણનમ ૨૧ રનની કૅપ્ટન હાર્દિક પંડ્યાની ઇનિંગ્સને લીધે મુંબઈએ ૧૫.૩ ઓવરમાં માત્ર ૩ વિકેટ (IPL 2024) ગુમાવીને જીત મેળવી લીધી હતી. આ સાથે મુંબઈએ બે મુલ્યવાન પૉઇન્ટ સાથે રનરેટને પણ સુધારી લીધો હતો.

- Advertisement -

વાનખેડેમાં મુંબઈની જીતની હાફ-સેન્ચુરી

- Advertisement -

બૅન્ગલોર સામે શાનદાર જીત એ હોમ-ગ્રાઉન્ડ વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સની ૫૦મી જીત હતી. આમાં સુપરઓવરમાં મેળવેલી જીતનો સમાવેશ નથી. આઇપીએલમાં આવી કમાલ કરનાર એ પ્રથમ ટીમ બની ગઈ હતી. વાનખેડેમાં મુંબઈ કુલ ૮૧ મૅચ રમ્યું જેમાંથી ૩૦માં તેમને હારનો સામનો કરવો પડ્યો છે અને એક મૅચ ટાઈ થઈ હતી. હૉમ-ગ્રાઉન્ડમાં અથવા કોઈ એક ગ્રાઉન્ડમાં સૌથી વધુ જીતના મામલે બીજા ક્રમાંકે ૪૮-૪૮ જીત સાથે ચેન્નઈ અને કલકત્તા છે.

બુમરાહની બુમબુમ

ચાર ઓવરમાં ૨૧ રનમાં પાંચ વિકેટના તરખાટ સાથે જસપ્રિત બુમરાહએ આઇપીએલમાં એક નવો રેકોર્ડ પોતાના નામે બનાવી લીધો હતો. બુમરાહે એક ઇનિંગ્સમાં ત્રણ કે એથી વધુ વિકેટ ૨૧મીવાર લઈને યુઝવેન્દ્ર ચહલનો ૨૦ વખત આવી કમાલ કરવાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો . આ મામલે ત્રીજા ક્રમાંક ૧૯મી વાર સાથે લસિથ મલિંગા છે.

મુંબઈ-બૅન્ગલોરે કરી પંજાબની બરોબરી

ટી૨૦ ક્રિકેટમાં ૧૯૦ પ્લસના ટાર્ગેટને નવમીવાર હાંસિલ કરીને મુંબઈએ પંજાબના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. બીજી તરફ બૅન્ગલોરે પણ પંજાબના એક નામોશીભર્યા રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. બૅન્ગલોરે રેકોર્ડ ૧૧મીવાર ૧૯૦ પ્લસનો સ્કોર બનાવવા છતાં હારનો સામનો કરવો પડ્યો હતો. અત્યાર સુધી આ રેકોર્ડ પંજાબના નામે હતો.

ઓપનર રોહિતની પ્રથમ સેન્ચુરી પાર્ટનરશીપ

ગઈ કાલે ઇશાન કિશન અને રોહિત શર્માએ ૧૦૧ રનની ઓપનિંગ પાર્ટનરશીપ સાથે મુંબઈની શાનદાર જીતનો પાયો નાખ્યો હતો. નવાઈની વાત એ છે આઇપીએલમાં રોહિતની આ પ્રથમ ૧૦૦ પ્લસની ઓપનિંગ પાર્ટનરશીપમાં હતી. આ પહેલા આ ૯૨વાર ઓપનિંગમાં રમ્યો હતો પણ ક્યારેય આ કમાલ નહોતો કરી શક્યો અને તેની આ પહેલાની બેસ્ટ ઓપનિંગ પાર્ટનરશીપ ૯૬ રનની હતી જે તેણે ૨૦૧૯માં રાજસ્થાન સામે ક્વિન્ટન ડિકૉક સાથે મળીને બનાવી હતી.

મૅક્સવેલ નવો શૂન્યવીર

બૅન્ગલોરના આ સીઝનમાં ખરાબ પફોર઼્મન્સમાં ગ્લૅન મૅક્સવેલના ફ્લૉપ શૉ પણ અમુક અંશે જવાબદાર છે. મૅક્સવેલ ગઈ કાલે આ સીઝનમાં બીજીવાર અને આઇપીએલમાં કુલ ૧૭મીવાર ખાતુ ખોલાવ્યો વિના આઉટ થયો હતો. આ સાથે તેણે આઇપીએલમાં સૌથી વધુવાર એકપણ રન બનાવ્યા વગર આઉટ થવાના રોહિત શર્મા અને દિનેશ કાર્તિકના રેકોર્ડની બરોબરી કરી લધી હતી. નવાઈની વાત એ છેક વર્લ્ડ કપમાં મૅક્સવેલે વાનખેડેમાં જ ડબલ સેન્ચુરી ફટકારીનો ઇતિહાસ રચ્યો હતો અને ગઈ કાલે એ જ મેદાનમાં એક નામોશીભયોર઼્ રેકોર્ડ પણ કયોર઼્ હતો.

મૅક્સેવલે આ સીઝનમાં અત્યાર સુધી પાંચ મૅચમાં માત્ર ૩૨ રન જ બનાવ્યા છે. ફિલ્ડીંગમા પણ તેણે ગઈ કાલે બે કૅચ પણ છોડ્યા હતાં.

હવે ટક્કર કોની સામે?

મુંબઈ હવે રવિવારે વાનખેડેમાં જ ચેન્નઈ સામે ટકરાશે જ્યારે બૅન્ગલોર સોમવારે ઘરઆંગણે દરાબાદ સામે ટકારાશે.

- Advertisement -
- Advertisement -