શીતળા સાતમ માટે રસોઈ કરીને રાત્રે ચૂલા ઠરવાની વર્ષો જુની ધાર્મિક પરંપરા – Daily News Gujarat

શીતળા સાતમ માટે રસોઈ કરીને રાત્રે ચૂલા ઠરવાની વર્ષો જુની ધાર્મિક પરંપરા

શ્રાવણી પર્વમાળા અંતગર્ત શુક્રવારે પરંપરાગત રીતે નાગપાંચમના પર્વની ઉજવણી કરાઈ હતી. આ સાથે નાગદેવતાના મંદિરમાં દર્શનાર્થે ભાવિકો ઉમટી પડયા હતા. જ્યારે શનિવારે ગૃહિણીઓ રાંધણ છઠ્ઠના પર્વે શીતળા સાતમ માટેની રસોઈકાર્યમાં મગ્ન બનશે.

ગુરૂવારે નાગપાંચમના પર્વે ગૃહિણીઓ દ્વારા ઘરના પાણિયારે અથવા ઘરમંદિરે દિવા,ધૂપ કરી રૂના કંકુમિશ્રિત નાગલા બનાવીને નાગનું કંકુથી ચિત્ર બનાવીને હળદર, નાડાછડી, ચોખા અને ફૂલ ચઢાવીને નાગદેવતાનું વિધિવત પૂજન અર્ચન કરી, બાજરાની કુલેર, નાળિયેર તલવટ સાથે પલાળેલા મગ, કઠોળનુ નૈવૈદ્ય ધરી નાગપૂજન કરાયું હતું.

ગૃહિણીઓએ એકટાણુ કર્યુ હતું.

જ્યારે આજે તા. 24ને શનિવારે રાંધણ છઠ્ઠ ઉજવાશે. વર્ષો જુની ધાર્મિક પરંપરા મુજબ શીતળા સાતમે રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન ઘરે માણવાનો મહિમા ચાલ્યો આવે છે તેમજ ધર્મશાસ્ત્રોમાં વધુમાં દર્શાવાયા મુજબ રાંધણ છઠ્ઠના દિવસે શીતળા માતા ઘરે-ઘરે વિહાર કરતા હોય છઠ્ઠની રાત્રે સફાઈ કર્યા બાદ ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલાની પૂજા કરાશે. ચૂલો ઠંડો કર્યા બાદ તેનો આખો દિવસ ઉપયોગ કરાતો નથી. તા. 25ને રવિવારે શીતળા સાતમના પર્વે ઘરમાં રસોઈ ન કરવાની અને ટાઢુ ખાવાની પરંપરાનું પાલન કરવાનું હોવાથી ગૃહિણીઓ શનિવારે બપોરથી મીઠાઈ, ફરસાણ સહિતના રસોઈકાર્યમાં મગ્ન બની જશે.

ચણાનો લોટ, ખાંડ અને મેંદો મોંઘોદાટ થતા કિચન બજેટ ખોરવાશે

રેડીમેડ અને ઈન્સ્ટન્ટ ફૂડના પ્રવર્તમાન યુગમાં હવે રાંધણ છઠ્ઠનું મહત્ત્વ ક્રમશ વિસરાઈ રહ્યું છે. ઘરે પરિવારજનો માટે ટાઢી રસોઈ કરવાની લાંબી કડાકૂટમાં પડવાના બદલે મોર્ડન ગૃહિણીઓ હવે જરૂરીયાત મુજબનું જ રાંધે છે બાકી તૈયાર મીઠાઈ અને ફરસાણ મંગાવતી થઈ છે. આ વર્ષે ફરસાણ માટેના ચણાનો લોટ, ખાંડ, મેંદો, માવો તેમજ સુકા મેવા સહિતની વસ્તુઓના ભાવ 10થી 15 ટકા વધી જતા રાંધણ છઠ્ઠનું મધ્યમવર્ગીય ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાયેલુ રહેશે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)