મનમાં પ્રશ્ન થાય કે તપ એટલે શું ? જાણો, તપ એ આત્મકલ્યાણનો માર્ગ છે ! – Daily News Gujarat

મનમાં પ્રશ્ન થાય કે તપ એટલે શું ? જાણો, તપ એ આત્મકલ્યાણનો માર્ગ છે !

જગતના અનેક મહાપુરુષોએ તપનો મહિમા સમજાવીને, તપ કરવા પર ખૂબ ભાર મૂક્યો છે. જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા માટે તપ કરવું જરૂરી છે. પરંતુ મનમાં પ્રશ્ન થાય કે તપ એટલે શું ? શું શરીરને કષ્ટ આપવું એ તપ છે ? મનુષ્ય કોઈક સિદ્ધિ મેળવવા માટે વનમાં જઈ ભૂખતરસ, ટાઢ તડકો વેઠી પોતાનું શરીર સૂકવી નાખે એ તપ છે ? કહો કે એને તપ કહેવાય નહિ, અને હા, તપ કરવા માટે એમ વનમાં જવાની જરૂર નથી. આ સંસાર જ સર્વશ્રેષ્ઠ તપોભૂમિ છે.

તપ એટલે સહન કરવું, તપ એટલે ઘસાવું. જેમ સોનાને અગ્નિમાં તપાવવાથી એ વધારે શુધ્ધ બની ચમકી ઉઠે છે તેમ મનુષ્યનું જીવન પણ મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. ત્યારે નિખરી ઊઠે છે. આ સંસારમાં રહીને મનુષ્ય પોતાના જીવનમાં આવતી અનેકવિધ મુશ્કેલીઓ સામે લડતો રહે એ તપ છે. તે પોતાનો વ્યક્તિગત સ્વાર્થ છોડી દઇને બીજાનું ભલું કરે એ તપ છે. એટલું જ નહિ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે તે પોતાનું સર્વસ્વ ત્યજી દે એનું નામ તપ. મનુષ્યનો શ્રધ્ધાપૂર્વકનો પુરુષાર્થ એટલે તપ. જેનું શ્રેય પોતાને અને બીજાઓને મળે એવી મનુષ્યની કોઈક સિધ્ધિ એટલે તપ. અલબત્ત તપ કરવા માટે મનુષ્યની સામે મહાન ધ્યેય હોવું જોઈએ. કારણકે ઉચ્ચ ધ્યેયયુક્ત જીવન યજ્ઞાની જવાળા સમાન છે. જ્યારે ધ્યેયહીન જીવન રાખના ઢગલા સમાન છે.

તપ એ આત્મકલ્યાણનો માર્ગ છે. એટલે તો કહેવાય છે કે આત્મકલ્યાણની ઇચ્છા રાખનાર મનુષ્યને સૌ પ્રથમ તપની દીક્ષા આપવામાં આવે છે. કારણકે તપથી જ મનુષ્યને શરીર બળ મનોબળ, પદ-પ્રતિષ્ઠા અને સુખ મળે છે.

ગીતામાં કહ્યું છે કે દેવ, વિદ્વાન, ગુરુજન અને જ્ઞાાની માણસનું સન્માન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા- આ શરીરનાં તપ છે. બીજાને દુ:ખી ન કરનારું, સત્યપ્રિય અને હિતકારી વચન કહેવું આત્માની ઉન્નતિ કરનારા ઉત્તમ ગ્રંથોનું અધ્યયન કરવું એ વાણીનું તપ છે.

મનને પ્રસન્ન રાખવું, શાંતિભાવ, ઓછું બોલવું, આત્મસંયમ અને ભાવની પવિત્રતા એ મનનું તપ છે. મનુષ્ય પોતાની શક્તિ, યોગ્યતા અથવા સમૃદ્ધિ વધારવા માટે જે કષ્ટ સહન કરે છે એ તપ છે. તપ દ્વારા મનુષ્ય પોતાના દોષોને બાળી નાખે છે. અને પુણ્યરૂપી મૂડી વધારે છે. જ્ઞાાન અને તપ બંને મળીને મનુષ્યના વ્યક્તિત્વની શ્રેષ્ઠ પૂંજી બને છે. આમ જ્ઞાાન પ્રાપ્તિ માટે પણ તપની આવશ્યકતા છે. આખું જીવન કશાકની પ્રાપ્તિ માટે મચ્યા રહેવું. એ એક પ્રકારનું તપ છે. અલબત્ત, શું મેળવવાનું છે તે જાણવું પણ જરૂરી છે. પ્રાચીનકાળમાં આસુરી લોકો પોતાના સ્વાર્થ માટે અમરત્વની પ્રાપ્તિ માટે તપ કરતા, પછી ઇચ્છિત વરદાન મેળવી જગત પર કાળો કેર વર્તાવતા. હા, તપ કરીએ એટલે તેનું ફળ મળતું જ હોય છે. પરંતુ કશુંક મેળવાની અભિપ્સા વિશાળ જનસમુદાયના હિત માટે હોવી જોઈએ. ટૂંકમાં કહીએ તો તપ એટલે સાધના. શબ્દથી જેમ અર્થ ભિન્ન નથી તેમ જીવનની સાધના ભિન્ન નથી આમ તપ એ જ જીવન છે. તે મનુષ્યના જીવનને વિશુધ્ધ કરી, તેજસ્વી બનાવે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)