મંગળવારની હનુમાનજી ની પૂજા દુ:ખને પણ સુખમાં ફેરવી દેશે! પૂજા કેવી રીતે કરવી તે જાણો? – Daily News Gujarat

મંગળવારની હનુમાનજી ની પૂજા દુ:ખને પણ સુખમાં ફેરવી દેશે! પૂજા કેવી રીતે કરવી તે જાણો?

પવનસુત હનુમાન એટલે તો સંકટોના હરનારા દેવ. કહે છે કે પોતાના ભક્તોના સંકટોને દૂર કરવામાં હનુમાનજી ક્યારેય પણ મોડું નથી કરતા. એમાં પણ મંગળવારના રોજ જો હનુમાનજી સંબંધી કેટલાક સરળ ઉપાય કરવામાં આવે તો, વ્યક્તિને તમામ દુઃખોથી મુક્તિની પ્રાપ્તિ થઈ જતી હોય છે.સંકટમોચન હનુમાન તેમના ભક્તો પર જલ્દી જ પોતાની કૃપા વરસાવતા હોય છે અને તેમના દરેક સંકટોને દૂર કરી દે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે મંગળવારના દિવસે કેટલાંક ઉપાય અજમાવવા જોઈએ. કારણ કે મંગળવારનો દિવસ એ ભગવાન હનુમાનજીને સમર્પિત છે.

જે લોકોના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય તેમણે મંગળવારના દિવસે અચૂક કેટલાક ઉપાયો કરવા જોઇએ. હનુમાનજી સંબંધીત આ ઉપાયોથી વ્યક્તિને ખૂબ ઝડપથી સારા સમાચાર મળે છે. તે કુંડળીમાં રહેલ ગ્રહોની સ્થિતિ મજબૂત કરીને સારું ફળ પ્રદાન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ અને શનિની સમસ્યાને દૂર કરવા માટે હનુમાનજીની આરાધના કરવી જોઈએ. તેનાથી ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે. આ આરાધના અત્યંત પ્રભાવી પણ માનવામાં આવે છે. આવો આવાં જ ઉપાયો વિશે વિગતે માહિતી મેળવીએ.

દુઃખ નિવારણ અર્થે

જો આપના જીવનમાં ખૂબ જ પરેશાનીઓ હોય, આપને ડગલે ને પગલે મુસીબતોનો સામનો કરવો પડતો હોય તો હનુમાનજીને મંગળવારના દિવસે સિંદૂર અર્પણ કરીને પૂજા કરવી જોઇએ. આ ઉપાય જો આપ દર મંગળવારે કરશો તો ધીરે ધીરે આપના જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થવા લાગશે અને આપના જીવનમાં ખુશીઓ આવવા લાગશે.

નોકરી અર્થે

જો નોકરી ધંધામાં આપને પરેશાનીનો સામનો કરવો પડતો હોય, જો યોગ્ય મહેનત કરવા છતાં પણ સારું પરિણામ ન મળતું હોય તો મંગળવારના દિવસે હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરવું જોઇએ. આ ઉપાય દ્વારા આપને નોકરીમાં બઢતી, બદલીની તકો વધી જશે.

જો પૈસા ટકતા ન હોય તો ?

કેટલાક લોકો એવા હોય છે કે જેઓ સારું કમાતા હોવા છતાં તેમની પાસે પૈસા બચતા નથી. આવી સ્થિતિમાં મંગળવારના દિવસે વડના ઝાડના એક પાનને સાફ કરીને પાણી વડે ધોઇ લો. પછી આ પાન પર કેસર વડે શ્રીરામ લખીને પોતાના પર્સમાં રાખી લો. આ કાર્ય કરવાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં રહે. આપને પૈસાની તંગી પણ ક્યારેય નહીં વર્તાય.

સુખ શાંતિ અર્થે

ઘર પરિવારમાં સુખ શાંતિ અર્થે મંગળવારના રોજ હનુમાનજી સામે સરસવના તેલનો એક દીપ પ્રજ્વલિત કરવો. આ સિવાય મંગળવાર કે શનિવારના દિવસથી શરૂ કરીને સળંગ 21 દિવસ સુધી હનુમાનજીના મંદિરમાં જઇને ગોળ-ચણા અવશ્ય અર્પણ કરવા. તેનાથી આપને રાહત મળશે.

કુંડળીમાં રહેલ શનિદોષ અર્થે

હનુમાનજીની આરાધના કરવાથી ન માત્ર મંગળ ગ્રહ મજબૂત બને છે પરંતુ શનિ દોષ પણ દૂર થાય છે. મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં જઇને હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવાથી શનિ ગ્રહની ખરાબ અસર દૂર થાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)