કરિશ્મા કપૂરનું માનવું છે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ભારે પરિવર્તન આવી ગયું છે. એક સમય હતો જ્યારે વૅનિટી વૅન નહોતી અને શૂટિંગ દરમ્યાન અમારે ઝાડની પાછળ જઈને કપડાં બદલવાં પડતાં હતાં. ૧૯૯૧માં આવેલી ‘પ્રેમકૈદી’ ફિલ્મ દ્વારા કરિશ્માએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ વખતે વૅનિટી વૅનનું કલ્ચર નહોતું. હાલમાં કરિશ્મા ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 4’માં જજ તરીકે જોવા મળી રહી છે.
વૅનિટી વૅન પહેલાંના સમયને યાદ કરીને કરિશ્મા કહે છે, ‘આ શોના સેટ્સની બહાર જેટલી વૅનિટી વૅન્સ ઊભી છે એવી સુવિધા અમને એ વખતે નહોતી મળતી. અમારે કપડાં બદલવા માટે ઝાડની પાછળ જવું પડતું હતું. ક્યારેક તો વૉશરૂમ માટે પણ અમારે ઝાડની પાછળ જવું પડતું હતું. એટલે કહેવાય કે અમારી ઇન્ડસ્ટ્રીએ ૪૦-૫૦ વર્ષમાં ઘણી પ્રગતિ કરી છે.’
ઇન્ડસ્ટ્રીમાં આવેલા બદલાવ વિશે કરિશ્મા કહે છે, ‘એવી પહેલી ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ હતી જેમાં અમારું કામ જોવા માટે અમને મૉનિટર મળ્યું હતું. અમારે ડાન્સનો શૉટ જોવો હતો. યશ ચોપડાજી લઈને આવ્યા હતા. આદિત્ય ચોપડા અને ઉદય ચોપડા પણ સેટ પર હતા. મૉનિટર પર અમારો શૉટ જોઈને અમે ગાંડાં થઈ ગયાં હતાં. અમે ચોંકી ગયાં હતાં કે ખરેખર, અમે અમારો શૉટ મૉનિટર પર જોઈ શકીશું? બીજી વસ્તુ મેં ‘ઝુબૈદા’ના સેટ પર જોઈ હતી. સિન્ક-સાઉન્ડવાળી પહેલી ફિલ્મ હતી ‘ઝુબૈદા’, જેને શ્યામ બેનેગલે ડિરેક્ટ કરી હતી. આ પહેલી એવી ફિલ્મ હતી જેમાં અમે રિયલ લાઇફ સાઉન્ડ માટે લેપલ માઇકનો ઉપયોગ કર્યો હતો.’