લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જ્યારથી શરૂ થયો ત્યારથી લઇને અત્યાર સુધી અનેક પાત્રો હજુ પણ જોડાયેલા છે અને પ્રખ્યાત પણ થયા છે. દિશા વાકાણીથી લઈને શૈલેષ લોઢા સુધી ઘણાએ આ શો છોડી દીધો અને ઘણી હેડલાઈન્સ બનાવી. હાલમાં જ શોમાં ગોલીનું પાત્ર નિભાવતા કુશ શાહે પણ શો છોડી દીધો છે.
ત્યારે હવે વધુ એક કલાકારના શો છોડવાની ખબર છે.
શોમાં અબ્દુલનું પાત્ર નિભાવતા અભિનેતા શરદ સાંકલાએ શો છોડી દીધો હોવાના અહેવાલ છે. વાસ્તવમા, તાજેતરના કેટલાક એપિસોડમાં એવું જોવા મળ્યું કે અબ્દુલ ગોકુલધામ સોસાયટીમાંથી ગાયબ છે, જ્યારે ગોકુલધામના લોકોને તેની ખબર પડી તો બધા તેના વિશે ચિંતિત થઈ ગયા અને તેઓ અબ્દુલને શોધવા લાગ્યા, પરંતુ અબ્દુલનો કોઈ પત્તો લાગ્યો નહિ. આ જોઈને લોકો અનુમાન લગાવવા લાગ્યા કે અબ્દુલ એટલે કે શરદ સાંકલાએ શો છોડી દીધો છે.
જો કે, આ પાછળનું સત્ય હવે સામે આવ્યુ છે. ઇટાઇમ્સ સાથેની ખાસ વાતચીતમાં અભિનેતાએ આ અફવાઓને નકારી કાઢી. તેણે એ પણ ખાતરી આપી કે શો છોડવાની તેની કોઈ યોજના નથી. આટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી શો પ્રસારિત થાય છે ત્યાં સુધી તે TMKOC સાથે રહેશે. શરદ સાંકલાએ કહ્યું કે શોમાંથી બહાર નીકળવાની અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે શોની વાર્તાનો એક ભાગ છે અને ટૂંક સમયમાં તે ગોકુલધામ સોસાયટીમાં પાછો ફરશે.