ચોમાસા માટે બેસ્ટ નાસ્તો છે ક્રિસ્પી કોર્ન, આવી રીતે બનાવશો તો બધા વારંવાર માંગશે – Daily News Gujarat

ચોમાસા માટે બેસ્ટ નાસ્તો છે ક્રિસ્પી કોર્ન, આવી રીતે બનાવશો તો બધા વારંવાર માંગશે

બાળકોથી લઈને મોટેરાઓ સુધી, સ્વીટ કોર્ન (મકાઈ) મોટાભાગના લોકોને પસંદ હોય છે. ખાસ વાત એ છે કે તેને તૈયાર કરવી ખૂબ જ સરળ છે. તે બજારમાં સરળતાથી મળી જાય છે, પછી તેને ઉકાળો, ચાટ મસાલો ઉમેરો અને ગરમા-ગરમ તેનો આનંદ લો. પરંતુ તમે સ્વીટ કોર્નને આ રીતે ખાઈને કંટાળી ગયા છો તો તમે તેમાં થોડો ટ્વિસ્ટ પણ આપી શકો છો.

જી હાં, અમે વાત કરી રહ્યા છીએ ક્રિસ્પી કોર્ન (ક્રિસ્પી મકાઈ)ની. હવે ક્રિસ્પી કોર્નને લગભગ તમામ રેસ્ટોરન્ટ્સ દ્વારા અપનાવવામાં આવી છે અને ઘણી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળે છે. તમે તેને સરળતાથી ઘરે પણ બનાવી શકો છો. તો ચાલો જાણીએ તેની સરળ રેસિપી…

સામગ્રી

  • મકાઈ – 2 કપ
  • મકાઈનો લોટ – 1/4 કપ
  • ચોખાનો લોટ – 1/4 કપ
  • મેંદાનો લોટ – 1 ચમચી
  • કાળા મરી પાવડર – 1 ચમચી
  • ધાણાજીરું પાવડર – 1/4 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું – 1/2 ચમચી
  • આમચૂર પાવડર – 1/2 ચમચી
  • બારીક સમારેલી ડુંગળી – 2 ચમચી
  • સમારેલા કેપ્સીકમ – 2 ચમચી
  • કોથમીર ઝીણી સમારેલી – 2 ચમચી
  • પાણી – 4-5 કપ
  • તેલ – તળવા માટે
  • મીઠું – જરૂરિયાત મુજબ

ક્રિસ્પી કોર્ન બનાવવાની રીત

  • ક્રિસ્પી કોર્ન એક સ્વાદિષ્ટ નાસ્તો છે. તેને બનાવવા માટે સૌથી પહેલા એક મોટું વાસણ લો અને તેમાં 4 કપ પાણી નાખીને એક ચમચી મીઠું નાખીને ઉકાળો.
  • પાણી જ્યારે ઉકળવા લાગે ત્યારે તેમાં 2 કપ મકાઈ મિક્સ કરો. આ પછી મકાઈને ઓછામાં ઓછા 1 મિનિટ સુધી ઉકળવા દો.
  • આ પછી ગેસ બંધ કરી દો અને સ્ટ્રેનરની મદદથી મકાઈને પાણીમાંથી અલગ કરી દો.
  • હવે બાફેલી મકાઈને બીજા વાસણમાં મૂકો અને તેમાં મકાઈનો લોટ, ચોખાનો લોટ, મેંદાનો લોટ, કાળા મરીનો પાવડર મિક્સ કરો.
  • આ પછી બધી વસ્તુઓને મકાઈની સાથે બરાબર મિક્સ કરો. મકાઈમાંથી વધારાનો લોટ કાઢવા માટે સ્ટ્રેનર દ્રારા ગાળી લો.
  • હવે એક કડાઈમાં તેલ નાખીને ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં સ્વીટ કોર્ન (મકાઈ) નાખીને ડીપ ફ્રાય કરો. મકાઈને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. આ પછી મકાઈને કિચન પેપર પર કાઢી લો.
  • હવે ફ્રાય કરેલી મકાઈમાં લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, આમચૂર પાવડર અને થોડું મીઠું મિક્સ કરો.
  • મકાઈ (સ્વીટ કોર્ન)ની સાથે બધા મસાલા બરાબર મિક્સ કર્યા પછી તેમાં બારીક સમારેલી ડુંગળી, કેપ્સીકમ અને 2 ચમચી કોથમીર નાખીને મિક્સ કરો.
  • સ્વાદ અને પોષણથી ભરપૂર ક્રિસ્પી કોર્ન બનીને તૈયાર થઈ ગઈ છે, તેને ટામેટા સોસની સાથે સર્વ કરો.